"હિમ્મત હારશો નહીં... હું તમારી સાથે જ છું "
આજની તારીખે પણ હીરાઉદ્યોગમાં કામ કરતા આપના ઘણા ભાઈઓના નોકરી માટે મારી પર ફોન આવે છે... જેમાંથી ઘણાં ભાઈઓ ખૂબ જ અનુભવી અને કામની પૂરેપૂરી આવડત ધરાવતા હોવા છતાં જોઈતી નોકરી મેળવી શકતા નથી. (એમને નોકરી મેળવી આપવાના મારા પૂરેપૂરા પ્રયત્નો હોવા છતાં પણ ઘણાને મરજી મુજબની નોકરી અપાવી શકવામાં હું ઘણી વખત અસમર્થ બની જાઉં છું) બીજી બાજુ એમનાથી ઓછી આવડતવાળા અને ઓછા અનુભવી કર્મચારીઓની નોકરી રેગ્યુલર ચાલુ જ છે, એ જોકે નસીબ નસીબની પણ વાત હોઈ શકે છે...હાલના સમયમાં નોકરી છુટી જવાનું એક કોમન કારણ છે..... મંદી...પણ નોકરી છુટી જવાના કે છોડવાના એ સિવાય પણ ઘણા કારણ હોઈ શકે છે...જેમાના એક કારણની આજે આપણે ચર્ચા કરીશું... ટોચૅરીંગ(ડિપ્રેશન)...
બે દિવસ પહેલા જ મારા એક ખાસ મિત્રનો મારી પર નોકરી માટે ફોન આવ્યો. જેને ચાલુ નોકરી છોડીને બીજી ઓફિસે બેસવું હતું. નોકરી છોડવાનું કારણ પૂછતાં ખબર પડી કે એની ઓફિસે કામ બાબતે મગજમારી (ટોર્ચરીંગ) ઘણી થાય છે...!!!જોકે એનું કામ સારું હોવા છતાં અને કોઈ ઉપરી મેનેજર કાંઈ બોલતો ન હોવા છતાં ઓફિસનું વાતાવરણ રોજરોજ એટલું તંગદીલીભર્યું થઈ જાય છે કે જેને કારણે એ કેટલાક સમયથી ખૂબ જ ચિંતામાં રહે છે અને નોકરી બાબતે પોતાની જગ્યા અસુરક્ષિત સમજે છે. જેની સાથે વાત કરતા કરતા ડિપ્રેશનની ચર્ચા નીકળી.
આજ પ્રશ્ન કદાચ અન્ય ગ્રુપ મેમ્બર્સની સાથે પણ બનતો હશે, માટે એ સૌ ગ્રુપ મેમ્બર્સનો ઉત્સાહ વધારવા માટે આ લેખ છેલ્લે સુધી વાંચશો અને હીરાઉદ્યોગમાં કામ કરતા આપના અન્ય ભાઈઓને પણ આ પોસ્ટ શેર કરશો એવી નમ્ર અપીલ છે....
🎭 ડિપ્રેશન એટલે શું?
ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં ગરીબી એટલે શું..? તે કોઇને સમજાવવું પડતું નથી. તેજ રીતે આજના તનાવભર્યા યુગમાં ડિપ્રેશનનો અર્થ કોઇને સમજાવવો પડતો નથી. ડિપ્રેશન એટલે દિલોદિમાગના પાવરહાઉસમાં આનંદ, ઉત્સાહ કે ઉમંગનો થ્રી ફેઇસ કરન્ટ દોડવાને બદલે હતાશા, નિરાશા કે ઉદાસીનો હાઇવોલ્ટેજ કરન્ટ દોડવા માંડે ત્યારે ડિપ્રેશન થયું કહેવાય.
મારા મિત્રની તકલીફનો અભ્યાસ કરી મેં ડિપ્રેશન શબ્દને આ રીતે વ્યાખ્યાઇત કર્યો છે:
‘ડિપ્રેશન એટલે દિમાગ પર ઉદાસીની ડિપ ઇમ્પ્રેશન...!' બીજા શબ્દોમાં કહીએ તો ડિપ્રેશન એટલે દિલના દરિયામાં ઊભા થતા હતાશા-નિરાશાની ભરતી અને આનંદ-ઉત્સાહની ઓટ. એ ભરતી-ઓટ અમાસ-પુનમની જેમ સમયસર હોતી નથી. ડિપ્રેશન ધરતીકંપની જેમ ગમે ત્યારે થઇ શકે.આજનું જનજીવન સંઘર્ષમય બન્યું છે. સવારથી સાંજ સુધીમાં માણસે અનેક સામાજિક, આર્થિક, કૌટુંબિક કે ધંધાકીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેકારી, ગરીબી અને રોજના કૌટુંબિક કલહો જેવી કેટલીક સમસ્યાઓ માણસની સાથે હમેશાં જોડાયેલી રહે છે.
ખારકુવાની બાજુમાં ઘર આવેલું હોય એ ઘરના માણસો લાંબે ગાળે દુર્ગંધથી ટેવાઇ જાય છે, પણ ડિપ્રેશનથી ટેવાઇ જવાનું ઘણું જ મુશ્કેલ હોય છે. જૂની શરદીની જેમ ઉદાસી દિલમાં પચી જાય ત્યારે ડિપ્રેશનને મોકળું મેદાન મળી જાય છે. ડિપ્રેશન આજના તનાવયુગનો હાથવગો રોગ છે. એમાં ☹️મન મુરઝાઈ જાય છે.
☹️જીવનમાંથી રસ ઊડી જાય છે. ☹️ક્યાંય ચિત્ત ચોંટતું નથી.
☹️જિજીવિષા ખતમ થઇ જાય છે. ☹️હૈયું ભારે થઇ જાય છે. ☹️બોલવાની ઇચ્છા થતી નથી. ☹️ઓફિસ થી ઘરે કેવી રીતે આવી ગયા .? એ ખબર રહેતી નથી કેમકે ઓફિસથી છૂટીને રસ્તે પણ ઓફિસના વિચારો જ ચાલ્યા કરતા હોય છે.☹️ રાત્રે ઊંઘમાં પણ ઓફિસના વિચારો ચાલતા હોય છે. ☹️આવતીકાલે ઓફિસમાં શું થશે..? એનું પણ ટેન્શન ચાલતું હોય છે.☹️ સવારે પણ ઓફિસ જવાનું મન થતું નથી.☹️કામ કરવામાં ઉત્સાહ રહેતો નથી.
☹️માણસ નાની નાની વાતોમાં રડી પડે છે.☹️ માણસ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે... ☹️જીવનનો અંત કરવા સુધીના પણ વિચારો આવે છે..!!!આવું કેમ થાય છે...? તો કોઇ ખાસ કારણ હોય તો મનોચિકિત્સકો તે શોધી કાઢે છે. પરંતુ અનુભવીઓ કહે છે કે કશાય કારણ વિના પણ ક્યારેક આવુ થાય છે.
ઇતિહાસ કહે છે ડિપ્રેશન સાધારણ માનવીને જ થાય એવું
નથી. ઘણા સુપ્રસિદ્ધ લોકો વધતે ઓછે અંશે ડિપ્રેશનનો શિકાર બન્યા છે. મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, ચર્ચિલ, સર આઇઝેક ન્યૂટન વગેરે પણ ડિપ્રેશનનો ભોગ બન્યા હતા. હિટલર પર હ્રદયરોગનો હુમલો થયો ત્યારે તેમણે એક મિત્રને કહ્યું હતું: ‘તું ડૉક્ટરને પૂછ કે , આ કેવો રોગ હિટલર જેવા જાંબાઝ યોધ્ધાને પડકારી રહ્યો છે..? અરે...! કોઇ એ નાદાનને સમજાવો ... યુદ્ધ હોય કે જીવન, હિટલરને હરાવવો આસાન નથી...!” આવી નમૂનેદાર ખુમારી બધા રાખી શક્તા નથી, પણ જેઓ રાખે છે તેઓ જીવનનો જંગ જીતી જાય છે.
ડિપ્રેશનમાંથી બહાર આવતા પહેલાં ડૉક્ટર દર્દીએ પોતે જ બનવાનું હોય છે.
🎭 ડિપ્રેશનથી બચવા શું કરી શકાય?
મનોચિકિત્સકો દ્વારા સુચવાતી દવાઓ જ ડિપ્રેશનનો ઉત્તમ ઉપાય હોઇ શકે. પરંતુ કેટલાંક દર્દીઓએ સ્વાનુભવમાંથી શોધી કાઢેલા અનુભવસિદ્ધ ઉપાયો પણ છે. એ ઉપાયો કેવળ ડિપ્રેશનનાં દર્દીઓને જ નહીં, ડિપ્રેશનની લગોલગ પહોંચી ગયેલા માણસોને પણ ઉપયોગી નીવડે એવા છે.
ડાયમંડ બ્રિજ ગ્રુપ એડમિન પણ કેટલાક વર્ષો સુધી ડિપ્રેશનનો ભોગ બન્યા પછી એમાંથી બહાર આવી શક્યા છે... “મારા મતે ડિપ્રેશનમાં મન નબળું થઇ જતું હોય છે. એથી ઉત્તમ ઉપાય એ કે તમારી ઉદાસીને છાતીએ વળગાડી ઘરમાં એકલાં બેસી રહેવાને બદલે લોકોના સમૂહ વચ્ચે વધુ રહેવાય એવું આયોજન કરો.
એક ઉદાહરણ આપીને કહું તો “કોઇ માણસને કરન્ટનો જીવતો વાયર અડી ગયો હોય તો સૌ પ્રથમ લાકડી વડે પાવરનું કનેક્શન તોડવું પડે. ડિપ્રેશન વીજળીના વાયર જેવું છે વ્યક્તિના મન સાથે હતાશા ડિસકનેક્ટ થવી જોઇએ. એ માટે ઘણા ઉપાયો છે.
👉મનગમતી પ્રવૃત્તિમાં જાતને રોકેલી રાખો.
👉 એકલા પડો ત્યારે પણ માનસિક રીતે તમને ગમતી પ્રવૃત્તિના વિચારોમાં ડૂબેલા રહો.
👉નિરાશાવાદી માણસો જોડે ઝાઝો સમય ના વિતાવો.
👉 મનની હિંમત વધે એવા જીવનલક્ષી પુસ્તકો વાંચો.
👉સંગીત જરૂર સાંભળો પણ ઉદાસીપ્રેરક કે દુ:ખદ ગીત ગઝલો કદી ન સાંભળવાં.
👉મોબાઇલ ઇન્ટરનેટ પર કૉમેડી ફિલ્મો જુઓ.
👉હાસ્ય કલાકારોની કેસેટો સાંભળો,
👉‘લાફીંગ ક્લબ’ના મેમ્બર બનો.
👉એ સિવાય રોજ લાયબ્રેરીમાં જઇને તમારા રસ-રુચિ પ્રમાણેના વાંચનની ટેવ રાખો.
👉પ્રભુભક્તિથી શાંતિ મળતી હોય તો તેમાં મન પરોવો.
👉યોગા કરો.
👉નવા નવા મિત્રો બનાવો. તેમની જોડે મળી માનવસેવાની પ્રવૃત્તિમાં રસ લો.
👉 રોજ નિયમિત ચાલવા જાઓ.
👉મિત્રો જોડે મળીને પત્તા, ક્રિકેટ જેવી રમત રમો.
👉રાજકારણ કે ફિલ્મો જેવાં મનગમતા વિષયો પર ચર્ચા કરો.
👉ગરબા ક્લાસ કે ડાંસ ક્લાસ જોઇન કરો.
👉દિલને આનંદમાં રાખવા તમારા લેવલે શક્ય હોય તે બધું કરી છૂટો. તમારી ઉદાસી, ચિંતા, દુ:ખ વગેરેને તમારી જાત સાથે ટકરાતાં અટકાવો. ડિપ્રેશનના દરિયામાં ડૂબી મરવા કરતાં પ્રવૃત્તિના સ્વીમીંગ પુલમાં જાતને તરતી રાખશો તો આસાનીથી ડિપ્રેશનનો દરિયો તરી જશો. એ માટે સમાજમાં અથવા તમારી જ્ઞાતિમાં સામે ચાલીને કોઇ મોટી પડકારરૂપ જવાબદારી સ્વીકારી લો, જે તમને માનસિક રીતે અન્યત્ર રોકી રાખવામાં ઉપયોગી નીવડશે. તમે લોકોના સમૂહ વચ્ચે કામ કરશો તો તમારી જાત અને તમારા દુ:ખ વચ્ચે જાણ્યે અજાણ્યે લોકોની હાજરી રહેશે. એ હાજરી તમારી હતાશા માટે અંતરાયરૂપ બની રહેશે.
કદાચ મારી આ તમને વાતો બૌદ્ધિક રીતે પણ દિમાગમાં ઉતરશે...
રસોડાની બારીનો પરદો પાડી દેવાથી સૂર્યપ્રકાશ ડાઇનીંગ ટેબલ સુધી પહોંચતો અટકે છે. એ રીતે જાહેર જીવનમાં વ્યસ્ત રહેવાથી માનસિક હતાશા પર કાબુ મેળવી શકાય છે. તમે વિવિધ જાહેર પ્રવૃત્તિમાં રોકાયેલા રહેશો તો મનની હતાશા સાથે કનેક્શન છૂટી જશે. ઓરડામાં એકલા બેસીને રડતા કોઈ સમક્ષ મહોલ્લાના પાંચ મિત્રો હાજર થાય તો શું થાય? તેના રૂદનમાં વિક્ષેપ પડે. તેનું રૂદન અટકી જાય છે. તે રીતે માનસિક દુખ અને વ્યક્તિ વચ્ચે અંતરાય ઊભો થાય ત્યારે દુ:ખની અસ્ખલિતતા (કન્ટીન્યુઈટી) તૂટે છે. ઘરમાં કોક સ્વજનનું મૃત્યુ થયું હોય ત્યારે તે વ્યક્તિની સાથે તેના નિકટના સ્વજનો થોડા દિવસો સાથે રહે છે તે પાછળ આ જ કારણ હોય છે. વ્યક્તિ એકલી રહે તો તેની આંતરિક વેદનાઓ સાથે તેનું તુરંત અનુસંધાન થઇ જાય છે.
એક બીજી વાત પણ જાણી લેવા જેવી છે. માણસ
પોતાના સ્વજનોને સુખી કરવા જિંદગીભર ઝઝૂમતો રહે છે. ક્યારેક તે બીજાનું ભલું કરવા કોશિશ કરે છે ત્યારે તેના આનંદની માત્રા બેવડાઇ જાય છે. ‘ક્યારેક તમારા ભાણામાંથી એકાદ રોટલી ભિખારીના ભૂખ્યા બાળકને આપી જોજો.... કોક દુઃખીયાનાં અશ્રુ લૂછી જોજો... તમારા દુ:ખને ભૂલી કોકને મદદરૂપ થવા ઘસાઈ છૂટજો... તમે દુ:ખમાં ડૂબેલા હશો તો પણ થોડી વાર માટે તમારું દુ:ખ ભૂલી જશો...!' વાત ખોટી નથી.
દિલમાં આનંદ, ઉત્સાહની ઊર્જા વધે તેવી પ્રવૃત્તિ કરવામાં આવે તો માણસના સમગ્ર ચિત્તતંત્રનું ફોકસીંગ અન્યત્ર વળે છે. ફ્રેંચ ફિલોસોફર સ્ટફિને તો ડિપ્રેશનના ઉપાય માટે વિજાતીય મૈત્રીની સલાહ પણ આપી છે. “ખામોશી' નામની એક ફિલ્મ આવી હતી તેમાં હતાશાનો ભોગ બનેલા નાયકને વિજાતીય મૈત્રી દ્વારા કેવી રીતે સાજો કરવામાં આવે છે તે દર્શાવવામાં આવ્યું છે. આમે ય સુખી થવાનો ઉત્તમ ઉપાય એ જ છે, બીજાના દુ:ખનો વિચાર કરો. બીજાને પડતી તકલીફોનો વિચાર કરો. એવું કહેવાય છે કે દુનિયાનો પ્રત્યેક માનવી સામી વ્યક્તિની મુશ્કેલીનો વિચાર કરે તો અડધું જગત સુખી થઇ જાય. હાલની તારીખે પણ કામ કે નોકરીની શોધ માટે ઘણા આપના ભાઈઓ આમતેમ વલખાં મારે છે અને બીજી બાજુ આપણા જેવા જેમની ઓફિસ ચાલુ છે તેઓ કામથી કંટાળીને બીજી ઓફિસની શોધખોળ કરીએ છીએ...
🤔તો શું બીજી ઓફિસે કામની મગજમારી નહીં હોય.......?
🤔શું બીજી ઓફિસે કામના ટાર્ગેટ નહીં હોય...?
🤔તો શું બીજી ઓફિસે ઉપરી મેનેજર વ્હાલ કરીને કામ કરાવશે...?
🤔 શું બીજી ઓફિસે ઓછું કામ આપીશું કે રિઝલ્ટ નહીં આપીશું તો ચાલશે...?
માટે એ બધી જ બાબાતોને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ ચાલુ ઓફિસ છોડવાનો વિચાર કરવો... કામથી દૂર ભાગવું કે આંખ આડા કાન કરવા એ ડિપ્રેશનનો ઈલાજ નથી. બાકી આપણે ઓફિસમાં ટકેલા છે એ ઓફિસ જ બેસ્ટ છે અને જે શેઠ પગાર તરીકે રૂપિયા આપે છે એ શેઠ જ આપણા માટે બેસ્ટ છે એવો ભાવ રાખીને કામ કરશો તો બીજી ઓફિસના વિચાર કે ચાલુ ઓફિસ છોડવાના વિચારો નહીં આવે...કેમકે ઓફિસ છોડ્યા પછી જ જૂની ઓફિસની સારી બાબતો ધ્યાનમાં આવે છે.
"દૂરથી ડુંગર રળિયામણા " એ ઉક્તિને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ વ્યક્તિ પોતાની ચાલુ ઓફિસ છોડવાનો નિર્ણય કરશો. ઓવરઓલ જો આખી ઓફિસનું વાતાવરણ ખરાબ હોય તો એમાં આપણા જેવા કોઈ એક કર્મચારીના રાજીનામાંથી કાંઈ વાતાવરણમાં સુધારો નહીં થાય. માટે ઉપરી મેનેજર તરફથી જે રીતનું અને જે સિસ્ટમના કામની અપેક્ષા હોય એનાથી પણ બેસ્ટ આપશો તો કદી મગજમારી નહીં થાય... અમેરિકન મનોવૈજ્ઞાનિક સેન્ટ લૉઇડે કહ્યું છે: "ડૉન્ટ એલાવ યોર ડિપ્રેશન ટુ સ્પોઈલ યોર લાઇફ... બેટર , કીપ યોરસેલ્ફ બીઝી વીથ અધસૅ સ્માઇલ..!"
ફિલ્મ ‘અવતાર'ના ગીતની એક પંક્તિ એમને યાદ આવી ગઇ.
‘દુનિયામેં કિતના ગમ હૈ,.. મેરા ગમ કિતના કમ હૈ...! '
માટે ડિપ્રેશનનો અનુભવ થાય ત્યારે મારા સૂચવેલા ઉપાય કરીને ટ્રાય કરી જોજો અને રિવ્યૂ ખાસ આપશો... નોકરી શોધતા આપણા ગ્રુપ મેમ્બર્સનો ઉત્સાહ વધે એ માટે બનતું કરવા મહેરબાની...
🙏આભાર 🙏
Comments
Post a Comment